Thursday, July 9, 2009

"ઇન્હેં ના ભુલાના..."


સ્મૃતીની છીપમાં રહેતા મોતી પરમાત્માનું અદ્ભૂત સર્જન છે. મનના કયા પડમાં તે કેવી રીતે રહે છે તેનો અંદાજ કોણ આપી શકે! એક વાત સાચી: નાદ બ્રહ્મની એક વિશીષ્ઠ લહરી આ છીપને ખોલે છે અને તેમાંથી નીકળે છે એકાદ ચળકતું મૌક્તિક. આ મોતીના પ્રકાશમાં સ્મૃતી-વનની પગદંડી ઝળહળી ઉઠે છે અને તેમાં આપણે તણાતા જઇએ છીએ યાદોના મધુર પ્રદેશમાં.
એક દિવસ આવી જ રીતે એક શબ્દલહરી cyber-જગતમાંથી આવી. પ્રેષક હતા આપણા પત્રકાર સ્નેહી તુષારભાઇ ભટ્ટ. તેમાં વ્યક્તિચિત્ર હતું શ્રી. રાસબિહારી દેસાઇનું. તેમાંના બે શબ્દો- ‘ખરજનો સ્વર’ના સ્પર્શથી મારી સ્મૃતીની છીપ ખુલી. આ વખતે તેમાંથી મોતીના સ્થાને નિશા-પરોઢના સંધિકાળમાં ઝળહળતા શુક્રતારકના દર્શન થયા. આ તેજસ્વી તારક હતા આપણા યુગના અદ્વિતિય ગાયક. તેમના પ્રકાશમાંથી પ્રશાંત મહાસાગરના મોજાંઓમાંથી નીકળતા ખળખળ કરતાં ધીર ગંભીર ધ્વનિ જેવા ખરજના સૂર નીકળ્યા અને હૃદયની દિવાલ પર અથડાયા. તેમાંથી ફૂટતા ફુવારાના છાંટામાંથી ઇન્દ્રધનુષ્ય પ્રગટ્યું અને તેના ટંકારમાંથી ઉદીત થતું ગીત સંભળાવા લાગ્યું:
“આયી બહાર! આયી બહાર આજ/ગુલશનમેં, લિયે ફૂલોં કે હાર....!”
પહેલી વાર આ ગીત સાંભળ્યું ત્યારે હું ચાર કે પાંચ વર્ષનો હતો. પંકજદા’ના અવાજમાં શી મોહિની હતી, મેં પિતાજીને આ ગીત ફરી વગાડવાનું કહ્યું. તેમણે HMVના ગ્રામોફોન પર ચાવી ચઢાવી આ રેકર્ડ ફરી વગાડી. બાલહઠ કહો કે પાગલપણ, મેં તેમને ફરી એક વાર આ ગીત વગાડવાનું કહ્યું. પિતાજીએ કહ્યું, “તને પંકજબાબુનું બીજું ગીત સંભળાવું. તને તે એટલું જ ગમશે,” કહી બીજી રેકર્ડ વગાડી. ગંાભીર્ય તથા મૃદુતાના અદ્ભૂત સંમિશ્રણમાં ગવાયેલું ગીત હું અવાક થઇને સાંભળતો રહ્યો:
“મદભરી, ઋતુ જવાન હૈ/ગાલ રંગ ભરે, મન ઉમંગ ભરે...”
િપતાજીએ કહ્યું, “પંકજબાબુનો સ્વર ખરજનો છે. ખરજના ગાયક ગીતના ભાવ તથા શબ્દાર્થ સાથે તન્મય થઇને તેને render કરે ત્યારે તેમનું સંગીત અભૂતપૂર્વ બની જાય છે. પંકજબાબુના બધાં જ ગીતોમાં તને આ ચમત્કાર જોવા મળશે...”
ચાર-પાંચ વર્ષના બાળકને આ બારીકીઓ કેવી રીતે સમજાય? હું કેવળ મંત્રમુગ્ધ બનીને સાંભળતો જ રહ્યો.
“યહ કૌન આજ આયા સવેરે, સવેરે...”
“મહેક રહી ફૂલવારી...”
"ગુઝર ગયા વહ ઝમાના..."
બસ, ત્યાર પછી તો સ્મૃતીપટલ પર પંકજદા’નાં ગીતો અમીટ થઇને અંકાઇ ગયા. ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે બારી પાસે બેઠેલો હોઉં, અને નિશ્ચીત અંતર પર આવેલા પાટાનાં જોડાણ પરથી ડબો પસાર થાય ત્યારે એક ઠેકો સંભળાય. બારીમાંથી આવતા પવન અને ટ્રેનના ઠેકાના તાલમાં મને સંભળાતું - “ચલે પવનકી ચાલ, જગમેં ચલે પવનકી ચાલ...”
વર્ષો વિત્યા. પંકજદા’નાં ગીતો સાંભળતો ગયો અને તે આપોઆપ મનના પટારામાં સંઘરાતા ગયા. ક્યારે’ક તુષારભાઇના લેખમાં કે એવા જ કોઇ catalystનો હૃદયના તાર પર સ્પર્શ થાય કે તેના ઝંકારમાં પંકજદા’નાં ગીતો સંભળાવા લાગ્યા. પંકજદા’ને પ્રત્યક્ષમાં સાંભળવાની મનમાં અદમ્ય ઝંખના જાગી. મારી ઇચ્છા પરિપૂર્ણ થાય તેવી આશા રાખવી નકામી હતી. પંકજદા’ કલકત્તાની બહાર ભાગ્યે જ જતા.
૧૯૫૭ કે ૫૮ની સાલ હતી. ભાવનગર છોડીને નોકરી માટે હું અમદાવાદ આવ્યો હતો. એક દિવસ રિલીફ સિનેમાના પગથિયા પર પાટિયું જોયું: શ્રી. પંકજ મલ્લિકના ફક્ત બે કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ટિકીટ માટે બૉક્સ અૉફિસનો સંપર્ક સાધો. હું દોડતો ગયો, અને જોયું તો બન્ને કાર્યક્રમોની ટિકીટો વેચાઇ ગઇ હતી. ઘણો નિરાશ થયો, મનોમન ભગવાનને પ્રાર્થના કરી, “હે પ્રભુ, એક વાર તો પંકજદા’ના ગીતો તેમની સામે બેસીને સાંભળવા મળે એવું કરી આપો.”
પરમાત્માએ પ્રાર્થના સાંભળી! બે વર્ષ બાદ પંકજદા’ના કોઇ પ્રસંશકે (મને લાગે છે તે શ્રી.અજીત શેઠ હતા) - એલીસબ્રિજના ટાઉનહૉલમાં તેમનો કાર્યક્રમ રાખ્યો. આ તક મેં તરત ઝડપી અને બે ટિકીટો અૅડવાન્સ બુકીંગમાં ખરીદી. કાર્યક્રમની રાતે પંકજદા’ના નજીકથી દર્શન કરવાના આશયથી મારા મિત્ર રમણીકભાઇ પુજારાની સાથે બૅક સ્ટેજના દરવાજા પાસે ઉભો રહ્યો. થોડી વારે એક મોટર આવી અને તેમાંથી ચમત્કારી આભામાં ઝળહળતા તેજ-પુરુષ, પડછંદ વ્યક્તિત્વ ધરાવતા પંકજદા’ ઉતર્યા. મેં આગળ વધીને બંગાળી ઢબથી તેમનો ચરણસ્પર્શ કર્યો અને બાંગ્લામાં અભિવાદન કર્યું. નમસ્કારનો જવાબ આશીર્વાદથી આપી તેમણે પૂછ્યું, “બાંગ્લા પઢતે પારો તો?” (બંગાળી વાંચી શકો છો કે?)
“હા! બાંગ્લા વાંચી શકું છું.” મારા ખભા પર હાથ મૂકી તેમણે કહ્યું, “મારી સાથે ચાલો.” ગાતી વખતે તેઓ એક સહાયક સાથે રાખતા. એક ગીત પૂરૂં થયા બાદ બીજા ગીત પર જવા માટે તેઓ સહાયકને નોટબુકનું પાનું ફેરવી તે ગીતના પાના પર લઇ જવા કહેતા જેથી બે ગીતો વચ્ચે ભંગ ન પડે.
મારી સાથે મારા મિત્ર હતા. તેમને મૂકી હું સ્ટેજ પર કેવી રીતે જઉં? મેં તેમને આ વાત કહેતાં તો કહી નાખી, પણ તરત દુ:ખ થયું. પંકજદા’એ કહ્યું, “કશો વાંધો નહિ. તમે તમારા મિત્ર સાથે બેસો.” પરંતુ મેળાપની આ અદ્ભૂત તકને હું જવા દેવા તૈયાર નહોતો. મેં પંકજદા’ને તરત પૂછ્યું, “હું આપને મળવા કાલે આવી શકું? આપ ક્યાં ઉતર્યા છો?”
“અવશ્ય! અમે હોટેલ રૂપાલીમાં ઉતર્યા છીએ. કાલે સવારે દસ વાગે આવી શકશો?” મેં હા કહી અને હૉલમાં જઇને બેઠો.
રવીન્દ્રનાથ ટાગોર રચિત પ્રાર્થના બાદ હારમોનિયમની ધમણ ચાલુ રાખી, એક સૂર પકડી, પંકજદા"એ માઇકમાં કહ્યું, “હવે જે ગીત હું ગાઇ સંભળાવવાનો છું, તેમાં તમારે બધાંએ જોડાવાનું છે. આ ગીત એકઠા મળીને ગાવામાં કેટલો આનંદ આવે છે તે તમે જરૂર અનુભવશો.”
હાર્મોનિયમની ધમણ વેગથી હાલવા લાગી. સૂરપટ્ટીઓ પર પંકજદા’ની આંગળીઓ ફરવા લાગી અને... ચમત્કાર! બચપણમાં પ્રથમ વાર સાંભળેલ - અને ત્યાર પછી શબ્દહિન, અવાજહિન એવા અગમ્ય દેશ વસેલું ગીત કેવળ મારા મનને દેખાતા તેજોમય નદીના પ્રવાહની જેમ સ્ટેજ પરથી લહેરાઇને આવ્યું અને આખા ટાઉનહૉલમાં આનંદના પ્રકાશની જેમ પથરાઇ ગયું:
“આ-હા-હા.... આયી બહાર આજ, આયી બહાર!”
.... અને પંકજદા’ રોકાઇ ગયા. શ્રોતાઓએ સંકોચને કારણે પ્રતિભાવ ન આપ્યો તેથી તેમણે ગીત થંભાવી “ગાઓ, હમારે સાથ ગાઓ,” કહી તેમણે ગીત ફરી શરૂ કર્યું. શ્રોતાઓ ખીલ્યા અને બધા મુક્ત કંઠે તેમની સાથે ગીતમાં જોડાયા.
“મેરે દીલમેં યેહ તાઝા ઉમંગે બઢીં/ઔર કૂઁ-એં બઢીં ઔર કૈસે બઢીં, લિયે ફૂલોંકે હાર -બહાર આજ, આયી બહાર..."
શ્રોતાઓ ભાન ભૂલીને પંકજદા’ સાથે ગાઇ રહ્યા હતા. તે સમયે કોઇને ખ્યાલ નહોતો કે અમદાવાદમાં તો શું, આખા ગુજરાત-ભારતમાં સ્ટેજ પર ગાઇ રહેલા મુખ્ય ગાયકની સાથે audience participationના આધુનિક પ્રયોગનું પ્રાત્યક્ષીક આપી રહ્યા હતા પ્રયોગના જન્મદાતા પંકજદા’!
ત્યાર પછી તો, ઓહો, કાર્યક્રમમાં કંઇ રંગત જામી છે! પંકજદા’ ગાતા ગયા...
“પિયા મિલન કો જાના..
“મદભરી, ઋતુ જવાન હૈ...
“મહેક રહી ફૂલવારી...
"તુમિ કેમન કરે ગાન કરો હે ગુણી..
અને કાર્યક્રમની અંતિમ ક્ષણોમાં તેમણે રજુ કર્યું તેમનું અજર-અમર ગીત:
“યે રાતેં, યે મૌસમ, યે હઁસના, હઁસાના/મુઝે ભૂલ જાના, ઇન્હેં ના ભૂલાના...”
સમય કેવી રીતે વિતી ગયો, ક્યારે ભૈરવી થઇ, કોઇને ખ્યાલ ન રહ્યો. ભૈરવી પછી પણ શ્રોતાઓ પોતાની બેઠક પર બેસી રહ્યા. ક્યા પ્રકારની મદહોશીમાં હું બહાર નીકળ્યો, ઘેર પહોંચ્યો, ખ્યાલ ન રહ્યો.
બીજા દિવસે સવારે હું પંકજદા’ને મળવા લાલ દરવાજા પાસે આવેલ હોટેલ રૂપાલી પર પહોંચી ગયો.
પંકજદા'ની સાથે થયેલી જીપ્સીની વાતચીત આવતા અંકમાં રજુ કરીશ.
(નોંધ: આ લેખ જીપ્સીએ ૨૦૦૩માં 'અખંડ આનંદ' માટે લખ્યો હતો. જીપ્સીની યાત્રાના અવિભાજ્ય અંગ છે પંકજદા'ના ગીત. આ લેખ બ્લૉગજગતના સહ-યાત્રીઓની સાથે માણવા ફરીથી પ્રસિદ્ધ કરૂં છું. પંકજદા"ની છબી weebly.comના સૌજન્યથી મળી છે.)

2 comments:

  1. Captain Saheb-I have problem pasting my gujarati comments-
    Any wy-Its a nice turn in your story-from the war to the world of music-I admire PM- I also heard him on my Grandpa's HMV gramophone--I have a nice collection of his records in my library- Jagmohan is another great artist of that time-
    Thanks for the memories.

    ReplyDelete
  2. Anonymous7/28/2009

    બીજા દિવસે સવારે હું પંકજદા’ને મળવા લાલ દરવાજા પાસે આવેલ હોટેલ રૂપાલી પર પહોંચી ગયો.
    પંકજદા'ની સાથે થયેલી જીપ્સીની વાતચીત.....Will wait for that ! Keep writing !
    Dr. Chandravadan Mistry

    ReplyDelete