Friday, July 10, 2009

ઇન્હેં ના ભુલાના (2)

બીજા દિવસે સવારે પંકજદા’ને મળવા લાલ દરવાજા પાસે આવેલ હોટેલ રૂપાલી પર પહોંચ્યો ત્યારે તેમની પાસે એક બંગાળી ગૃહસ્થ બેઠા હતા. મને બંગાળી આવડતું હોવાથી પૂરી વાતચીત બંગાળીમાં જ થઇ. હું તેમના સાન્નિધ્યથી એટલો અંજાઇ ગયો હતો કે તે ઘડીએ પ્રશ્ન પૂછવાનું સુઝ્યું નહિ, પણ પંકજદા’એ પોતે જ મને પ્રશ્ન પૂછ્યો, “તમે ગુરૂદેવ (રવીન્દ્રનાથ ટાગોર)ની કથા “ક્ષુધિત પાષાણ” વાંચી છે?”
“જી હા. કૉલેજમાં આ કથાસંચય - ‘Hungry Stones’ અમારી અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં સામેલ હતો.”
“તેમાં વર્ણવેલા ઓવારા અને ઘાટ ક્યાં આવ્યા છે એ તો તમે જાણતા હશો.”
મેં મારૂં અજ્ઞાન જાહેર કર્યું.
“એ તો તમારા શહેરમાં જ છે! શાહીબાગમાં આવેલું રાજભવન બ્રિટીશ સરકારના જમાનામાં રીજનલ કમીશ્નરનું અધિકૃત રહેઠાણ હતું. ગુરૂદેવના મોટા ભાઇ સત્યેન્દ્રનાથ ગુજરાતના વિભાગીય કમીશ્નર હતા ત્યારે તેઓ થોડા સમય માટે અમદાવાદ આવ્યા હતા. તે સમયે ગુરૂદેવ ૧૭ કે ૧૮ વર્ષના હતા. એક રાતે તેમને સાબરમતીના ઘાટ પર જે અનુભૂતિ થઇ હતી તેના આધારે તેમણે આ કથા લખી.”
મને વાત કરવાનો સૂર મળી ગયો!
“મેં ક્યાંક વાંચ્યું હતું કે ગુરૂદેવે તેમના ગીતોને સૂરબદ્ધ કરવાની પરવાનગી ફક્ત આપને એકલાને જ આપી હતી. આ વિશે આપ કશું કહેશો?”
“હા, તેમની મારા પર અસીમ કૃપા હતી. મને તેમનું - “દિનેર શેષે ઘૂમેર દેશે.....” ઘણું ગમતું હતું તેથી તેને સુરબદ્ધ કર્યું હતું. મારા સદ્ભાગ્યે તેમણે મને તે ગાઇ સંભળાવવા માટે આદેશ આપ્યો, હું તેમની હવેલીએ પહોંચી ગયો અને ગીત ગાઇ સંભળાવ્યું... ત્યાર પછી જે થયું તે ગુરૂદેવનો સ્નેહ જ કહેવાય.”
આમ જોવા જઇએ તો આ એક ઇતિહાસ બની ગયો. ગુરૂદેવે પંકજદા’ સિવાય વિશ્વમાં અન્ય કોઇને પોતાના ગીતોને સુરબદ્ધ કરવાની રજા નથી આપી. આજે આ ગીત રવીન્દ્રસંગીતમાં વિશેષ સ્થાન ધરાવે છે.
“આપે ગાયેલા બે ગીતો - “પ્રાણ ચાહે, નૈન ના ચાહે,” અને “યાદ આયે કે ન આયે તુમ્હારી..” સાવ જુદા તરી આવે છે. રેકર્ડ પર કૅસાનોવાનું પણ નામ છે...”
સ્મિત સાથે પંકજદા’ બોલ્યા, “ઓ રે બાબા! તમે સરસ યાદ અપાવી! તે જમાનામાં કૅસાનોવાનો બૅન્ડ કલકત્તામાં સુપ્રસિદ્ધ હતો. અમે વિચાર કર્યો કે તેમના પાશ્ચાત્ય અૉરકેસ્ટ્રા સાથે રવીન્દ્રસંગીત રજુ કરીએ તો એક નવો અભિગમ થાય. કૅસાનોવા સાથે ચર્ચા કર્યા પછી અમે રવીન્દ્રસંગીતના આ બે ગીતો રેકર્ડ કર્યા, અને ઘણા લોકપ્રિય થયા.” નવાઇની વાત તો એ છે કે આજ સુધી કોઇને ખ્યાલ નથી આવ્યો કે આ રેકોર્ડનું સંયોજન કરી ભારતમાં ‘remix’ કહો કે fusionનું સર્જન ઠેઠ ૧૯૩૦ના દાયકામાં પંકજદા’એ ભારતના ઇતિહાસમાં પહેલી વાર કર્યું હતું! તે અગાઉ “પ્રાન ચાય, ચક્ષુ ના ચાય” તથા “મને ર’બે કે ન ર’બે આમારે,” લોકપ્રિય ગીતો હતા. ‘મને ર’બે કે ન રબે’ ગુરૂદેવની જન્મ શતાબ્દીના કાર્યક્રમમાં સ્વ. હેમન્ત કુમારના સ્વરમાં મેં જાતે સાંભળ્યું છે.
સંગીતના ક્ષેત્રમાં પંકજદા’ સ્વપ્નદ્રષ્ટા હતા એવું કહીશ તો તેમાં અતિશયોક્તિ નહિ થાય. અગાઉ રવીન્દ્રસંગીત ગવાતું ત્યારે તેની “શુદ્ધતા” જાળવવા તેની સાથે તબલાંની સાથ નહોતી અપાતી. રવીન્દ્ર સંગીત બંગાળના ખૂણેખૂણા સુધી પહોંચાડવા પંકજદા’એ યોજેલા રેડીયો કાર્યક્રમમાં ગુરૂદેવની રજા લઇ, રવીન્દ્ર સંગીતમાં તબલાંની સાથ આપવાનું શરૂ કર્યું - અને ત્યાર પછી એ પ્રથા જ બની ગઇ. બીજી વાર: ભારતીય સિને સંગીતમાં ‘પ્લેબૅક’ આપવાની શરૂઆત પણ તેમણે જ ન્યુ થિયેટર્સની ફિલ્મોમાં કરી હતી. આપણે Duets તો ઘણા સાંભળ્યા છે, પણ trioનો પ્રયોગ ફિલ્મોમાં પ્રથમ વાર તેમણે જ કર્યો. આટલા વર્ષો બાદ પણ તેમણે સાયગલ સાહેબ તથા ઉમાશશી સાથે ગાયેલા trio ગીત “દુનિયા રંગ રંગીલી બાબા...” તથા “મનકી બાત બતાઉઁ” સદાબહાર કલાકૃતિ બની ગયા.
પંકજદા’નું જીવન યોગસાધના જેવું હતું. તેમનો યોગ હતો શબ્દ અને સંગીતનો. સાયગલસાહેબ પાસે તેમણે ગવડાવેલા રવીન્દ્રસંગીતના ગીતો સંગીતજગતમાં અજોડ સોગાદ છે. શબ્દોના ઉચ્ચારણની શુદ્ધતાનો તેઓ હંમેશા આગ્રહ રાખતા. સાયગલ સાહેબ જેવા પંજાબી ગાયક પાસે ટાગોરની સંસ્કૃતમય બંગાળીના શુદ્ધ ઉચ્ચાર ગીતોમાં કરાવવામાં તેમનો પરિશ્રમ જણાઇ આવશે.

પંકજદા’એ છ-સાત ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાં “ડૉક્ટર” ફિલ્મ ચિરસ્મરણીય બની ગઇ. “આનંદ આશ્રમ” નામની બંગાળી નવલકથાના આ ચિત્રપટનાં ઘણા સંસ્કરણ થયા. તેમાંનું એક તો બંગાળના સુપરસ્ટાર ઉત્તમ કુમાર દ્વારા અભિનીત હતું, તેને સુદ્ધાં “ડૉક્ટર” જેટલી સફળતા ન મળી.

પંકજદા’ના જીવનમાં ઘણા દુ:ખદ પ્રસંગો બની ગયા, તેમ છતાં તેમનું માનસિક સંતુલન તથા પ્રભુ અને સંગીત પરની શ્રદ્ધા કદી ઓછી થઇ નહિ. વળી આજ કરતાં તે સમયના અધિકારી વર્ગમાં આપખુદી અને ઇર્ષ્યા બેહદ હતી. આનો પરચો પંકજદા'ને મળ્યો. અૉલ ઇન્ડીયા રેડીયો (AIR) કલકત્તામાં તેમણે શરૂ કરેલ સંગીત શિક્ષણનો કાર્યક્રમ આખા ભારતમાં લોકપ્રિય થયો હતો. બંગાળમાં જાહેરમાં ગાવું એ ‘ભદ્રલોક’ - પ્રતિષ્ઠીત સમાજની સ્ત્રીઓ માટે નિષીદ્ધ હતું. પંકજદા’એ રવીન્દ્રસંગીતને બંગાળના દરેક શહેર અને ગામડાંઓમાં પહોંચાડીને તેને એક મૂર્તિની જેમ ઉચ્ચાસન અપાવ્યું. આજે કોઇ ‘ભદ્ર’ પરિવારની બંગાળી સ્ત્રીને રવીન્દ્રસંગીત ગાતાં આવડતું ન હોય તો તેનામાં એક ત્રૂટી છે એવું સમજાય છે. તેમણે સિદ્ધહસ્ત કવિ વાણીકુમાર તથા વિરેન્દ્ર કૃષ્ણ ભદ્રના ગીતોને સૂર આપી “મહિષાસુર મર્દિની”ના નામાભિધાનથી કાર્યક્રમ તૈયાર કર્યો. દુર્ગપૂજાના પ્રથમ દિવસ ‘મહાલયા’ના દિવસે શરૂ થયેલ સંગીત મહોત્સવ ‘instant hit’ થઇ ગયો. તેમ છતાં આંતરીક ઇર્ષ્યાના કારણે AIRના ડાયરેક્ટરે પંકજદા’ને ચાલુ કાર્યક્રમે નોકરી પરથી બરખાસ્ત કર્યા. આવી જ રીતે ન્યુ થિયેટર્સના માલિકે પણ તેમને એક મિનીટની નોટિસ આપ્યા વગર નોકરીમાંથી છૂટા કર્યા હતા.આ સમય એવો હતો કે સાયગલસાહેબ, રાયચંદ બોરાલ વિ. જેવા કલાકારો ન્યુ થિયેટર્સને છોડી પૈસા માટે મુંબઇ જતા રહ્યા હતા. એક પંકજબાબુ એવા હતા જેમને પૈસા કરતાં વફાદારીનું મૂલ્ય વધારે લાગ્યું હતું. તેમણે મુંબઇની આકર્ષક ‘અૉફર્સ”નો ઇન્કાર કરી ન્યુ થિયેટર્સમાં રહ્યા. આમ છતાં એક મિનીટની નોટિસ આપ્યા વગર તેમને છૂટા કરવામાં આવ્યા ત્યારે તેમને આઘાત તો લાગ્યો, પણ દુ:ખ, ક્ષોભ કે ક્રોધ પ્રદર્શિત કર્યા વગર રહી તેમણે આ વિધીલિખીત સમજી સ્વીકારી લીધું. તે સમયે સ્ટુડીયોમાં કાનનદેવી હાજર હતા. તેઓ આ સમાચાર સાંભળી રોઇ પડ્યા હતા, અને તેમને સાંત્વન આપવાનું કામ પંકજદા’ને જ કરવું પડ્યું.
તેમના જીવનમાં બીજો દુ:ખદ પ્રસંગ હતો જ્યારે તેમના પરમ મિત્ર કુંદન લાલ સાયગલ કલકત્તા છોડી કાયમ માટે મુંબઇ જતા રહ્યા, અને થોડા જ વર્ષોમાં અવસાન પામ્યા. સાયગલસાહેબ વિશે વાત કરવી તેમના માટે અસહ્ય હતું તેથી મેં તેમને આ વિષય પર પ્રશ્ન પૂછ્યો નહિ. સાયગલ સાહેબે પંકજદા’ના સંગીતબદ્ધ કરેલા ગીતો ગાયા તેની મધુરતા કંઇ ‘અૉર’ છે. "કરૂં ક્યા આસ નિરાસ ભયી", “અય કાતિબે તકદીર મુઝે ઇતના બતા દે..”, “દો નૈના, મતવાલે તિહારે/હમ પર ઝુલ્મ કરે” તો હજી પણ હૃદયને સ્પર્શી જાય. પંકજદા’એ પોતે સાયગલસાહેબને અંજલી આપવા આ છેલ્લા બે ગીતો પોતાના સ્વરમાં રેકૉર્ડ કર્યા છે.

અને તેમણે ગાયેલા પ્રેમ ગીતો? તેમાં રહેલ માધુર્ય, સ્નેહ અને પ્રેમની ઉદાત્તતાની અનુભુતિ તેમણે ગાયેલ ગીતના પ્રત્યેક શબ્દમાં થતી રહે છે. પંકજદા’ના ગીતોની યાદ આવે છે ત્યારે ભાવવિહોર થયેલું મન ભૂતકાળની મધુર યાદોની કેડીઓમાં ભ્રમણ કરવા લાગી જાય છે. હૃદય ભરાઇ આવે છે. જ્યારે જ્યારે લૉસ એન્જેલીસ જતી મેટ્રોલિન્ક કે અૅમટ્રૅકની ટ્રેનમાં પ્રવાસ કરૂં છું, અંતરમાં સંભળાય છે "મુઝે ભુલ જાના, ઇન્હેં ના ભુલાના...." આ ગીત સાંભળવા નીચેના વિડીયો પર "ક્લીક" કરશો.

યાત્રાનો આજનો પલ્લો અહીં પૂરો કરીશ.
નોંધ: શ્રી. પંકજ કુમાર મલ્લિકના ગીતો નીચે દર્શાવેલ Link પર સાંભળી શકાશે.

http://www.smashits.com/music”/oldies/songs/8099/doctor.html

Thursday, July 9, 2009

"ઇન્હેં ના ભુલાના..."


સ્મૃતીની છીપમાં રહેતા મોતી પરમાત્માનું અદ્ભૂત સર્જન છે. મનના કયા પડમાં તે કેવી રીતે રહે છે તેનો અંદાજ કોણ આપી શકે! એક વાત સાચી: નાદ બ્રહ્મની એક વિશીષ્ઠ લહરી આ છીપને ખોલે છે અને તેમાંથી નીકળે છે એકાદ ચળકતું મૌક્તિક. આ મોતીના પ્રકાશમાં સ્મૃતી-વનની પગદંડી ઝળહળી ઉઠે છે અને તેમાં આપણે તણાતા જઇએ છીએ યાદોના મધુર પ્રદેશમાં.
એક દિવસ આવી જ રીતે એક શબ્દલહરી cyber-જગતમાંથી આવી. પ્રેષક હતા આપણા પત્રકાર સ્નેહી તુષારભાઇ ભટ્ટ. તેમાં વ્યક્તિચિત્ર હતું શ્રી. રાસબિહારી દેસાઇનું. તેમાંના બે શબ્દો- ‘ખરજનો સ્વર’ના સ્પર્શથી મારી સ્મૃતીની છીપ ખુલી. આ વખતે તેમાંથી મોતીના સ્થાને નિશા-પરોઢના સંધિકાળમાં ઝળહળતા શુક્રતારકના દર્શન થયા. આ તેજસ્વી તારક હતા આપણા યુગના અદ્વિતિય ગાયક. તેમના પ્રકાશમાંથી પ્રશાંત મહાસાગરના મોજાંઓમાંથી નીકળતા ખળખળ કરતાં ધીર ગંભીર ધ્વનિ જેવા ખરજના સૂર નીકળ્યા અને હૃદયની દિવાલ પર અથડાયા. તેમાંથી ફૂટતા ફુવારાના છાંટામાંથી ઇન્દ્રધનુષ્ય પ્રગટ્યું અને તેના ટંકારમાંથી ઉદીત થતું ગીત સંભળાવા લાગ્યું:
“આયી બહાર! આયી બહાર આજ/ગુલશનમેં, લિયે ફૂલોં કે હાર....!”
પહેલી વાર આ ગીત સાંભળ્યું ત્યારે હું ચાર કે પાંચ વર્ષનો હતો. પંકજદા’ના અવાજમાં શી મોહિની હતી, મેં પિતાજીને આ ગીત ફરી વગાડવાનું કહ્યું. તેમણે HMVના ગ્રામોફોન પર ચાવી ચઢાવી આ રેકર્ડ ફરી વગાડી. બાલહઠ કહો કે પાગલપણ, મેં તેમને ફરી એક વાર આ ગીત વગાડવાનું કહ્યું. પિતાજીએ કહ્યું, “તને પંકજબાબુનું બીજું ગીત સંભળાવું. તને તે એટલું જ ગમશે,” કહી બીજી રેકર્ડ વગાડી. ગંાભીર્ય તથા મૃદુતાના અદ્ભૂત સંમિશ્રણમાં ગવાયેલું ગીત હું અવાક થઇને સાંભળતો રહ્યો:
“મદભરી, ઋતુ જવાન હૈ/ગાલ રંગ ભરે, મન ઉમંગ ભરે...”
િપતાજીએ કહ્યું, “પંકજબાબુનો સ્વર ખરજનો છે. ખરજના ગાયક ગીતના ભાવ તથા શબ્દાર્થ સાથે તન્મય થઇને તેને render કરે ત્યારે તેમનું સંગીત અભૂતપૂર્વ બની જાય છે. પંકજબાબુના બધાં જ ગીતોમાં તને આ ચમત્કાર જોવા મળશે...”
ચાર-પાંચ વર્ષના બાળકને આ બારીકીઓ કેવી રીતે સમજાય? હું કેવળ મંત્રમુગ્ધ બનીને સાંભળતો જ રહ્યો.
“યહ કૌન આજ આયા સવેરે, સવેરે...”
“મહેક રહી ફૂલવારી...”
"ગુઝર ગયા વહ ઝમાના..."
બસ, ત્યાર પછી તો સ્મૃતીપટલ પર પંકજદા’નાં ગીતો અમીટ થઇને અંકાઇ ગયા. ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે બારી પાસે બેઠેલો હોઉં, અને નિશ્ચીત અંતર પર આવેલા પાટાનાં જોડાણ પરથી ડબો પસાર થાય ત્યારે એક ઠેકો સંભળાય. બારીમાંથી આવતા પવન અને ટ્રેનના ઠેકાના તાલમાં મને સંભળાતું - “ચલે પવનકી ચાલ, જગમેં ચલે પવનકી ચાલ...”
વર્ષો વિત્યા. પંકજદા’નાં ગીતો સાંભળતો ગયો અને તે આપોઆપ મનના પટારામાં સંઘરાતા ગયા. ક્યારે’ક તુષારભાઇના લેખમાં કે એવા જ કોઇ catalystનો હૃદયના તાર પર સ્પર્શ થાય કે તેના ઝંકારમાં પંકજદા’નાં ગીતો સંભળાવા લાગ્યા. પંકજદા’ને પ્રત્યક્ષમાં સાંભળવાની મનમાં અદમ્ય ઝંખના જાગી. મારી ઇચ્છા પરિપૂર્ણ થાય તેવી આશા રાખવી નકામી હતી. પંકજદા’ કલકત્તાની બહાર ભાગ્યે જ જતા.
૧૯૫૭ કે ૫૮ની સાલ હતી. ભાવનગર છોડીને નોકરી માટે હું અમદાવાદ આવ્યો હતો. એક દિવસ રિલીફ સિનેમાના પગથિયા પર પાટિયું જોયું: શ્રી. પંકજ મલ્લિકના ફક્ત બે કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ટિકીટ માટે બૉક્સ અૉફિસનો સંપર્ક સાધો. હું દોડતો ગયો, અને જોયું તો બન્ને કાર્યક્રમોની ટિકીટો વેચાઇ ગઇ હતી. ઘણો નિરાશ થયો, મનોમન ભગવાનને પ્રાર્થના કરી, “હે પ્રભુ, એક વાર તો પંકજદા’ના ગીતો તેમની સામે બેસીને સાંભળવા મળે એવું કરી આપો.”
પરમાત્માએ પ્રાર્થના સાંભળી! બે વર્ષ બાદ પંકજદા’ના કોઇ પ્રસંશકે (મને લાગે છે તે શ્રી.અજીત શેઠ હતા) - એલીસબ્રિજના ટાઉનહૉલમાં તેમનો કાર્યક્રમ રાખ્યો. આ તક મેં તરત ઝડપી અને બે ટિકીટો અૅડવાન્સ બુકીંગમાં ખરીદી. કાર્યક્રમની રાતે પંકજદા’ના નજીકથી દર્શન કરવાના આશયથી મારા મિત્ર રમણીકભાઇ પુજારાની સાથે બૅક સ્ટેજના દરવાજા પાસે ઉભો રહ્યો. થોડી વારે એક મોટર આવી અને તેમાંથી ચમત્કારી આભામાં ઝળહળતા તેજ-પુરુષ, પડછંદ વ્યક્તિત્વ ધરાવતા પંકજદા’ ઉતર્યા. મેં આગળ વધીને બંગાળી ઢબથી તેમનો ચરણસ્પર્શ કર્યો અને બાંગ્લામાં અભિવાદન કર્યું. નમસ્કારનો જવાબ આશીર્વાદથી આપી તેમણે પૂછ્યું, “બાંગ્લા પઢતે પારો તો?” (બંગાળી વાંચી શકો છો કે?)
“હા! બાંગ્લા વાંચી શકું છું.” મારા ખભા પર હાથ મૂકી તેમણે કહ્યું, “મારી સાથે ચાલો.” ગાતી વખતે તેઓ એક સહાયક સાથે રાખતા. એક ગીત પૂરૂં થયા બાદ બીજા ગીત પર જવા માટે તેઓ સહાયકને નોટબુકનું પાનું ફેરવી તે ગીતના પાના પર લઇ જવા કહેતા જેથી બે ગીતો વચ્ચે ભંગ ન પડે.
મારી સાથે મારા મિત્ર હતા. તેમને મૂકી હું સ્ટેજ પર કેવી રીતે જઉં? મેં તેમને આ વાત કહેતાં તો કહી નાખી, પણ તરત દુ:ખ થયું. પંકજદા’એ કહ્યું, “કશો વાંધો નહિ. તમે તમારા મિત્ર સાથે બેસો.” પરંતુ મેળાપની આ અદ્ભૂત તકને હું જવા દેવા તૈયાર નહોતો. મેં પંકજદા’ને તરત પૂછ્યું, “હું આપને મળવા કાલે આવી શકું? આપ ક્યાં ઉતર્યા છો?”
“અવશ્ય! અમે હોટેલ રૂપાલીમાં ઉતર્યા છીએ. કાલે સવારે દસ વાગે આવી શકશો?” મેં હા કહી અને હૉલમાં જઇને બેઠો.
રવીન્દ્રનાથ ટાગોર રચિત પ્રાર્થના બાદ હારમોનિયમની ધમણ ચાલુ રાખી, એક સૂર પકડી, પંકજદા"એ માઇકમાં કહ્યું, “હવે જે ગીત હું ગાઇ સંભળાવવાનો છું, તેમાં તમારે બધાંએ જોડાવાનું છે. આ ગીત એકઠા મળીને ગાવામાં કેટલો આનંદ આવે છે તે તમે જરૂર અનુભવશો.”
હાર્મોનિયમની ધમણ વેગથી હાલવા લાગી. સૂરપટ્ટીઓ પર પંકજદા’ની આંગળીઓ ફરવા લાગી અને... ચમત્કાર! બચપણમાં પ્રથમ વાર સાંભળેલ - અને ત્યાર પછી શબ્દહિન, અવાજહિન એવા અગમ્ય દેશ વસેલું ગીત કેવળ મારા મનને દેખાતા તેજોમય નદીના પ્રવાહની જેમ સ્ટેજ પરથી લહેરાઇને આવ્યું અને આખા ટાઉનહૉલમાં આનંદના પ્રકાશની જેમ પથરાઇ ગયું:
“આ-હા-હા.... આયી બહાર આજ, આયી બહાર!”
.... અને પંકજદા’ રોકાઇ ગયા. શ્રોતાઓએ સંકોચને કારણે પ્રતિભાવ ન આપ્યો તેથી તેમણે ગીત થંભાવી “ગાઓ, હમારે સાથ ગાઓ,” કહી તેમણે ગીત ફરી શરૂ કર્યું. શ્રોતાઓ ખીલ્યા અને બધા મુક્ત કંઠે તેમની સાથે ગીતમાં જોડાયા.
“મેરે દીલમેં યેહ તાઝા ઉમંગે બઢીં/ઔર કૂઁ-એં બઢીં ઔર કૈસે બઢીં, લિયે ફૂલોંકે હાર -બહાર આજ, આયી બહાર..."
શ્રોતાઓ ભાન ભૂલીને પંકજદા’ સાથે ગાઇ રહ્યા હતા. તે સમયે કોઇને ખ્યાલ નહોતો કે અમદાવાદમાં તો શું, આખા ગુજરાત-ભારતમાં સ્ટેજ પર ગાઇ રહેલા મુખ્ય ગાયકની સાથે audience participationના આધુનિક પ્રયોગનું પ્રાત્યક્ષીક આપી રહ્યા હતા પ્રયોગના જન્મદાતા પંકજદા’!
ત્યાર પછી તો, ઓહો, કાર્યક્રમમાં કંઇ રંગત જામી છે! પંકજદા’ ગાતા ગયા...
“પિયા મિલન કો જાના..
“મદભરી, ઋતુ જવાન હૈ...
“મહેક રહી ફૂલવારી...
"તુમિ કેમન કરે ગાન કરો હે ગુણી..
અને કાર્યક્રમની અંતિમ ક્ષણોમાં તેમણે રજુ કર્યું તેમનું અજર-અમર ગીત:
“યે રાતેં, યે મૌસમ, યે હઁસના, હઁસાના/મુઝે ભૂલ જાના, ઇન્હેં ના ભૂલાના...”
સમય કેવી રીતે વિતી ગયો, ક્યારે ભૈરવી થઇ, કોઇને ખ્યાલ ન રહ્યો. ભૈરવી પછી પણ શ્રોતાઓ પોતાની બેઠક પર બેસી રહ્યા. ક્યા પ્રકારની મદહોશીમાં હું બહાર નીકળ્યો, ઘેર પહોંચ્યો, ખ્યાલ ન રહ્યો.
બીજા દિવસે સવારે હું પંકજદા’ને મળવા લાલ દરવાજા પાસે આવેલ હોટેલ રૂપાલી પર પહોંચી ગયો.
પંકજદા'ની સાથે થયેલી જીપ્સીની વાતચીત આવતા અંકમાં રજુ કરીશ.
(નોંધ: આ લેખ જીપ્સીએ ૨૦૦૩માં 'અખંડ આનંદ' માટે લખ્યો હતો. જીપ્સીની યાત્રાના અવિભાજ્ય અંગ છે પંકજદા'ના ગીત. આ લેખ બ્લૉગજગતના સહ-યાત્રીઓની સાથે માણવા ફરીથી પ્રસિદ્ધ કરૂં છું. પંકજદા"ની છબી weebly.comના સૌજન્યથી મળી છે.)

Tuesday, July 7, 2009

આસપાસ - ચોપાસ

‘જીપ્સીની ડાયરી’ના સહભાગી તરીકે આપનું "જીપ્સીની યાત્રા"માં સ્વાગત છે.
'ડાયરી' સમરાંગણ તરફ કૂચ કરનાર સૈનિકની રોજનિશી હતી. રૂટ-માર્ચની જેમ તેના દૈનીક જીવનનો ભાગ. રૂટ માર્ચમાં સૈનિકનું 'ઘર' તેની પીઠ પર હોય છે. સૂવા-ઓઢવા માટે બે કામળા, વૉટરપ્રૂફ જાજમ (અમે તેને ગ્રાઉન્ડ શીટ કહીએ), રેનકોટ તથા રોજીંદા વપરાશનો સામાન રાખેલો મોટો બૅક-પૅક, હૅવરસૅક, પાણીની બાટલી તથા હથિયાર લઇ બે-ત્રણ મહિને ૫૦-૧૦૦ કિલોમીટરની પદયાત્રા કરવી પડતી હોય છે. સમરાંગણ તરફ જવું એની ફરજ હતી. "જીપ્સીની ડાયરી"માં તેને આપના સુંદર સ્વભાવનો તથા વાતચીતનો સાથ મળ્યો તેથી આ સફર આનંદદાયક નીવડી. અાપના સહકાર, સૌજન્ય અને માર્ગદર્શન માટે આપનો જેટલો આભાર માનીશ, ઓછો જ પડશે, તેમ છતાં અહીં અંત:કરણપૂર્વક ફરી એકવાર આપનો આભાર માનું છું.
જીપ્સીએ તેની ડાયરી પૂરી કરી ત્યારે આપની અનુમતિ માગી હતી કે આગળના પ્રવાસમાં આપનો સાથ મળશે કે કેમ. આપ સહુના સ્નેહભર્યા સંદેશને કારણે વિના વિલંબે નવો બ્લૉગ શરૂ કરૂં છું: "જીપ્સીની યાત્રા". એક અંગ્રેજી ક્લાસીકના પાત્રોની જેમ આ યાત્રામાં સામેલ થનારા બધા મિત્રોની વાતો સહુને સાંભળવા મળશે એવી આશા છે.
આજે મને એક જુની વાત સાંભરી આવી. ૧૯૭૮માં અમદાવાદના અખબાર ‘જનસત્તા’માં સ્વ. શેખાદમ આબુવાલાનું કૉલમ આવતું. એક વાર તેમણે પોતાની કટારમાં પ્રખ્યાત શાયર નિદા ફઝલીની નઝમ - “કરાંચી માઁ હૈ, બમ્બઇ બીછડા હુવા બેટા” સાથે એક સુંદર લેખ લખ્યો. લેખમાં તેમની ભાવના સ્પષ્ટ હતી. જો કે આ વિષયમાં અત્યારે ઘણું લખી શકાય, પણ તે વખતે મેં શેખાદમ સાહેબને અંગ્રેજીમાં પત્ર લખ્યો અને તેમાં સહિ કરી હતી, “સિન્સીયર્લી યૉર્સ, નરેન્દ્ર.”
તે અઠવાડીયાના રવિવારના સંસ્કરણમાં શેખાદમ સાહેબે ખાસ કટાર લખી. શિર્ષક હતું, “સિન્સીયર્લી યૉર્સ, નરેન્દ્ર”!!
મારા પત્રનો ઉલ્લેખ કરી તેના સંદર્ભમાં તેમણે જે લખ્યું, 'જીપ્સીની યાત્રા'ના પ્રથમ અંકમાં જનસત્તાના તંત્રીના સૌજન્ય સાથે રજુ કરૂં છું. શેખાદમ સાહેબના વારસ કોણ છે અને ક્યાં છે તે જાણતો નથી, તેથી તેમની અત્યારે રજા લઇ યથાયોગ્ય કારવઇ કરવું શક્ય નથી થયું. કોઇ વાચક મિત્ર મને તેમનું સરનામું ઉપલબ્ધ કરી આપશે તો તેમનો કૃતજ્ઞ થઇશ.
ત્યાર બાદ ઓળખાણ થઇ જનસત્તાના ચીફ રીપોર્ટર સ્વ. રમણભાઇ ભાવસાર સાથે. તેમણે મને એક કૉલમ લખવાની તક આપી હતી. કૉલમનું શિર્ષક તેમણે જ આપ્યું: "આસપાસ - ચોપાસ". બે વર્ષ સુધી અવારનવાર પ્રકાશિત થતું આ કૉલમ ઘણું લોકપ્રિય થયું. આજે રમણભાઇ ભાવસાર તથા શેખાદમસાહેબને સ્મરણાંજલિ આપી આજનો અંક તેમને અર્પણ કરૂં છું, અને આપને તેમાં ભાગ લેવા નિમંત્રણ આપું છું. આશા છે અગાઉની જેમ આ બ્લૉગમાં આપ જરૂર પધારશો.




Counters

Free Counter