Friday, July 10, 2009

ઇન્હેં ના ભુલાના (2)

બીજા દિવસે સવારે પંકજદા’ને મળવા લાલ દરવાજા પાસે આવેલ હોટેલ રૂપાલી પર પહોંચ્યો ત્યારે તેમની પાસે એક બંગાળી ગૃહસ્થ બેઠા હતા. મને બંગાળી આવડતું હોવાથી પૂરી વાતચીત બંગાળીમાં જ થઇ. હું તેમના સાન્નિધ્યથી એટલો અંજાઇ ગયો હતો કે તે ઘડીએ પ્રશ્ન પૂછવાનું સુઝ્યું નહિ, પણ પંકજદા’એ પોતે જ મને પ્રશ્ન પૂછ્યો, “તમે ગુરૂદેવ (રવીન્દ્રનાથ ટાગોર)ની કથા “ક્ષુધિત પાષાણ” વાંચી છે?”
“જી હા. કૉલેજમાં આ કથાસંચય - ‘Hungry Stones’ અમારી અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં સામેલ હતો.”
“તેમાં વર્ણવેલા ઓવારા અને ઘાટ ક્યાં આવ્યા છે એ તો તમે જાણતા હશો.”
મેં મારૂં અજ્ઞાન જાહેર કર્યું.
“એ તો તમારા શહેરમાં જ છે! શાહીબાગમાં આવેલું રાજભવન બ્રિટીશ સરકારના જમાનામાં રીજનલ કમીશ્નરનું અધિકૃત રહેઠાણ હતું. ગુરૂદેવના મોટા ભાઇ સત્યેન્દ્રનાથ ગુજરાતના વિભાગીય કમીશ્નર હતા ત્યારે તેઓ થોડા સમય માટે અમદાવાદ આવ્યા હતા. તે સમયે ગુરૂદેવ ૧૭ કે ૧૮ વર્ષના હતા. એક રાતે તેમને સાબરમતીના ઘાટ પર જે અનુભૂતિ થઇ હતી તેના આધારે તેમણે આ કથા લખી.”
મને વાત કરવાનો સૂર મળી ગયો!
“મેં ક્યાંક વાંચ્યું હતું કે ગુરૂદેવે તેમના ગીતોને સૂરબદ્ધ કરવાની પરવાનગી ફક્ત આપને એકલાને જ આપી હતી. આ વિશે આપ કશું કહેશો?”
“હા, તેમની મારા પર અસીમ કૃપા હતી. મને તેમનું - “દિનેર શેષે ઘૂમેર દેશે.....” ઘણું ગમતું હતું તેથી તેને સુરબદ્ધ કર્યું હતું. મારા સદ્ભાગ્યે તેમણે મને તે ગાઇ સંભળાવવા માટે આદેશ આપ્યો, હું તેમની હવેલીએ પહોંચી ગયો અને ગીત ગાઇ સંભળાવ્યું... ત્યાર પછી જે થયું તે ગુરૂદેવનો સ્નેહ જ કહેવાય.”
આમ જોવા જઇએ તો આ એક ઇતિહાસ બની ગયો. ગુરૂદેવે પંકજદા’ સિવાય વિશ્વમાં અન્ય કોઇને પોતાના ગીતોને સુરબદ્ધ કરવાની રજા નથી આપી. આજે આ ગીત રવીન્દ્રસંગીતમાં વિશેષ સ્થાન ધરાવે છે.
“આપે ગાયેલા બે ગીતો - “પ્રાણ ચાહે, નૈન ના ચાહે,” અને “યાદ આયે કે ન આયે તુમ્હારી..” સાવ જુદા તરી આવે છે. રેકર્ડ પર કૅસાનોવાનું પણ નામ છે...”
સ્મિત સાથે પંકજદા’ બોલ્યા, “ઓ રે બાબા! તમે સરસ યાદ અપાવી! તે જમાનામાં કૅસાનોવાનો બૅન્ડ કલકત્તામાં સુપ્રસિદ્ધ હતો. અમે વિચાર કર્યો કે તેમના પાશ્ચાત્ય અૉરકેસ્ટ્રા સાથે રવીન્દ્રસંગીત રજુ કરીએ તો એક નવો અભિગમ થાય. કૅસાનોવા સાથે ચર્ચા કર્યા પછી અમે રવીન્દ્રસંગીતના આ બે ગીતો રેકર્ડ કર્યા, અને ઘણા લોકપ્રિય થયા.” નવાઇની વાત તો એ છે કે આજ સુધી કોઇને ખ્યાલ નથી આવ્યો કે આ રેકોર્ડનું સંયોજન કરી ભારતમાં ‘remix’ કહો કે fusionનું સર્જન ઠેઠ ૧૯૩૦ના દાયકામાં પંકજદા’એ ભારતના ઇતિહાસમાં પહેલી વાર કર્યું હતું! તે અગાઉ “પ્રાન ચાય, ચક્ષુ ના ચાય” તથા “મને ર’બે કે ન ર’બે આમારે,” લોકપ્રિય ગીતો હતા. ‘મને ર’બે કે ન રબે’ ગુરૂદેવની જન્મ શતાબ્દીના કાર્યક્રમમાં સ્વ. હેમન્ત કુમારના સ્વરમાં મેં જાતે સાંભળ્યું છે.
સંગીતના ક્ષેત્રમાં પંકજદા’ સ્વપ્નદ્રષ્ટા હતા એવું કહીશ તો તેમાં અતિશયોક્તિ નહિ થાય. અગાઉ રવીન્દ્રસંગીત ગવાતું ત્યારે તેની “શુદ્ધતા” જાળવવા તેની સાથે તબલાંની સાથ નહોતી અપાતી. રવીન્દ્ર સંગીત બંગાળના ખૂણેખૂણા સુધી પહોંચાડવા પંકજદા’એ યોજેલા રેડીયો કાર્યક્રમમાં ગુરૂદેવની રજા લઇ, રવીન્દ્ર સંગીતમાં તબલાંની સાથ આપવાનું શરૂ કર્યું - અને ત્યાર પછી એ પ્રથા જ બની ગઇ. બીજી વાર: ભારતીય સિને સંગીતમાં ‘પ્લેબૅક’ આપવાની શરૂઆત પણ તેમણે જ ન્યુ થિયેટર્સની ફિલ્મોમાં કરી હતી. આપણે Duets તો ઘણા સાંભળ્યા છે, પણ trioનો પ્રયોગ ફિલ્મોમાં પ્રથમ વાર તેમણે જ કર્યો. આટલા વર્ષો બાદ પણ તેમણે સાયગલ સાહેબ તથા ઉમાશશી સાથે ગાયેલા trio ગીત “દુનિયા રંગ રંગીલી બાબા...” તથા “મનકી બાત બતાઉઁ” સદાબહાર કલાકૃતિ બની ગયા.
પંકજદા’નું જીવન યોગસાધના જેવું હતું. તેમનો યોગ હતો શબ્દ અને સંગીતનો. સાયગલસાહેબ પાસે તેમણે ગવડાવેલા રવીન્દ્રસંગીતના ગીતો સંગીતજગતમાં અજોડ સોગાદ છે. શબ્દોના ઉચ્ચારણની શુદ્ધતાનો તેઓ હંમેશા આગ્રહ રાખતા. સાયગલ સાહેબ જેવા પંજાબી ગાયક પાસે ટાગોરની સંસ્કૃતમય બંગાળીના શુદ્ધ ઉચ્ચાર ગીતોમાં કરાવવામાં તેમનો પરિશ્રમ જણાઇ આવશે.

પંકજદા’એ છ-સાત ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાં “ડૉક્ટર” ફિલ્મ ચિરસ્મરણીય બની ગઇ. “આનંદ આશ્રમ” નામની બંગાળી નવલકથાના આ ચિત્રપટનાં ઘણા સંસ્કરણ થયા. તેમાંનું એક તો બંગાળના સુપરસ્ટાર ઉત્તમ કુમાર દ્વારા અભિનીત હતું, તેને સુદ્ધાં “ડૉક્ટર” જેટલી સફળતા ન મળી.

પંકજદા’ના જીવનમાં ઘણા દુ:ખદ પ્રસંગો બની ગયા, તેમ છતાં તેમનું માનસિક સંતુલન તથા પ્રભુ અને સંગીત પરની શ્રદ્ધા કદી ઓછી થઇ નહિ. વળી આજ કરતાં તે સમયના અધિકારી વર્ગમાં આપખુદી અને ઇર્ષ્યા બેહદ હતી. આનો પરચો પંકજદા'ને મળ્યો. અૉલ ઇન્ડીયા રેડીયો (AIR) કલકત્તામાં તેમણે શરૂ કરેલ સંગીત શિક્ષણનો કાર્યક્રમ આખા ભારતમાં લોકપ્રિય થયો હતો. બંગાળમાં જાહેરમાં ગાવું એ ‘ભદ્રલોક’ - પ્રતિષ્ઠીત સમાજની સ્ત્રીઓ માટે નિષીદ્ધ હતું. પંકજદા’એ રવીન્દ્રસંગીતને બંગાળના દરેક શહેર અને ગામડાંઓમાં પહોંચાડીને તેને એક મૂર્તિની જેમ ઉચ્ચાસન અપાવ્યું. આજે કોઇ ‘ભદ્ર’ પરિવારની બંગાળી સ્ત્રીને રવીન્દ્રસંગીત ગાતાં આવડતું ન હોય તો તેનામાં એક ત્રૂટી છે એવું સમજાય છે. તેમણે સિદ્ધહસ્ત કવિ વાણીકુમાર તથા વિરેન્દ્ર કૃષ્ણ ભદ્રના ગીતોને સૂર આપી “મહિષાસુર મર્દિની”ના નામાભિધાનથી કાર્યક્રમ તૈયાર કર્યો. દુર્ગપૂજાના પ્રથમ દિવસ ‘મહાલયા’ના દિવસે શરૂ થયેલ સંગીત મહોત્સવ ‘instant hit’ થઇ ગયો. તેમ છતાં આંતરીક ઇર્ષ્યાના કારણે AIRના ડાયરેક્ટરે પંકજદા’ને ચાલુ કાર્યક્રમે નોકરી પરથી બરખાસ્ત કર્યા. આવી જ રીતે ન્યુ થિયેટર્સના માલિકે પણ તેમને એક મિનીટની નોટિસ આપ્યા વગર નોકરીમાંથી છૂટા કર્યા હતા.આ સમય એવો હતો કે સાયગલસાહેબ, રાયચંદ બોરાલ વિ. જેવા કલાકારો ન્યુ થિયેટર્સને છોડી પૈસા માટે મુંબઇ જતા રહ્યા હતા. એક પંકજબાબુ એવા હતા જેમને પૈસા કરતાં વફાદારીનું મૂલ્ય વધારે લાગ્યું હતું. તેમણે મુંબઇની આકર્ષક ‘અૉફર્સ”નો ઇન્કાર કરી ન્યુ થિયેટર્સમાં રહ્યા. આમ છતાં એક મિનીટની નોટિસ આપ્યા વગર તેમને છૂટા કરવામાં આવ્યા ત્યારે તેમને આઘાત તો લાગ્યો, પણ દુ:ખ, ક્ષોભ કે ક્રોધ પ્રદર્શિત કર્યા વગર રહી તેમણે આ વિધીલિખીત સમજી સ્વીકારી લીધું. તે સમયે સ્ટુડીયોમાં કાનનદેવી હાજર હતા. તેઓ આ સમાચાર સાંભળી રોઇ પડ્યા હતા, અને તેમને સાંત્વન આપવાનું કામ પંકજદા’ને જ કરવું પડ્યું.
તેમના જીવનમાં બીજો દુ:ખદ પ્રસંગ હતો જ્યારે તેમના પરમ મિત્ર કુંદન લાલ સાયગલ કલકત્તા છોડી કાયમ માટે મુંબઇ જતા રહ્યા, અને થોડા જ વર્ષોમાં અવસાન પામ્યા. સાયગલસાહેબ વિશે વાત કરવી તેમના માટે અસહ્ય હતું તેથી મેં તેમને આ વિષય પર પ્રશ્ન પૂછ્યો નહિ. સાયગલ સાહેબે પંકજદા’ના સંગીતબદ્ધ કરેલા ગીતો ગાયા તેની મધુરતા કંઇ ‘અૉર’ છે. "કરૂં ક્યા આસ નિરાસ ભયી", “અય કાતિબે તકદીર મુઝે ઇતના બતા દે..”, “દો નૈના, મતવાલે તિહારે/હમ પર ઝુલ્મ કરે” તો હજી પણ હૃદયને સ્પર્શી જાય. પંકજદા’એ પોતે સાયગલસાહેબને અંજલી આપવા આ છેલ્લા બે ગીતો પોતાના સ્વરમાં રેકૉર્ડ કર્યા છે.

અને તેમણે ગાયેલા પ્રેમ ગીતો? તેમાં રહેલ માધુર્ય, સ્નેહ અને પ્રેમની ઉદાત્તતાની અનુભુતિ તેમણે ગાયેલ ગીતના પ્રત્યેક શબ્દમાં થતી રહે છે. પંકજદા’ના ગીતોની યાદ આવે છે ત્યારે ભાવવિહોર થયેલું મન ભૂતકાળની મધુર યાદોની કેડીઓમાં ભ્રમણ કરવા લાગી જાય છે. હૃદય ભરાઇ આવે છે. જ્યારે જ્યારે લૉસ એન્જેલીસ જતી મેટ્રોલિન્ક કે અૅમટ્રૅકની ટ્રેનમાં પ્રવાસ કરૂં છું, અંતરમાં સંભળાય છે "મુઝે ભુલ જાના, ઇન્હેં ના ભુલાના...." આ ગીત સાંભળવા નીચેના વિડીયો પર "ક્લીક" કરશો.

યાત્રાનો આજનો પલ્લો અહીં પૂરો કરીશ.
નોંધ: શ્રી. પંકજ કુમાર મલ્લિકના ગીતો નીચે દર્શાવેલ Link પર સાંભળી શકાશે.

http://www.smashits.com/music”/oldies/songs/8099/doctor.html